મહિલાઓના ટોળાં મ્યુનિ કચેરીમાં દરરોજ રજૂઆતો કરે તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી
શહેરના લાંભા વિસ્તારમાં મ્યુનિ. ના નવાણા પંપિંગ સ્ટેશનમાં નિયત પંપોમાંથી ઘણાં પંપો ચાલુ કરાતા જ નથી. જેના લીધે લાંભા અને વટવા વોર્ડમાં વરસાદી પાણી ઓસરતા ન હોવાની અને ગટરો બેક મારતી હોવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. આશરે બંને વોર્ડના મળીને 7 હજાર જેટલા મકાનમાં ગટરો બેક મારતી હોવાથી રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. જેના લીધે મહિલાઓના ટોળેટોળા દરરરોજ મ્યુનિ. કચેરીના ધક્કા ખાય છે. પરંતુ કોઈ જવાબ ન મળતા નિરાશ થઈને પરત જાય છે. એટલે સમસ્યાનો ઉકેલ આવતો ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
મ્યુનિ. દ્વારા પંપિંગ સ્ટેશનની સમસ્યાનો ઉકેલ ન લાવતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, લાંભા વોર્ડમાં કેનાલ પાસે આવેલા નવાણા પંપિંગ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી પંપો યોગ્ય રીતે ચલાવાતા ન હોવાનો આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકો કરી રહ્યા છે.
પંપો ચાલુ કરાતા ન હોવાના લીધે વટવામાં કેનાલ પાસેના વિસ્તારમાં અલીફ નગર આશિયાના પાર્ક, હિના પાર્ક, વટવા સૈયદવાડી વિસ્તાર, બીબી તળાવ આસપાસનો વિસ્તાર, રોહિતવાસ, ગણેશ મંદિર સહિતના વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. જ્યારે લાંભા વોર્ડમાં નારોલ ગામથી ભમ્મરિયા કુવાસુધીનો વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં ગટરો બેક મારી રહી છે. એટલે વટવા અને લાંભા વોર્ડના આશરે 7 હજાર જેટલા મકાનોમાં ગટરો બેક મારતી હોવાની અને ગંદા પાણી ઘરોમાં ભરાતા હોવાની સમસ્યા સર્જાય છે.
અધિકારીઓ હદનો મામલો ધરી ખો આપે છેઃ કોર્પોરેટર
સ્થાનિક કોર્પોરેટર કાળુ ભરવાડે જણાવ્યું હતું કે, નવાણા પંપિંગ સ્ટેશનના પંપો ચાલુ કરતા ન હોવાથી વટવા અને લાંભા વોર્ડના 7 હજાર મકાનમાં ગટરો બેક મારે છે. ઉપરાંત વરસાદી પાણી પણ ઓસરતા નથી. દરરોજ 300 મહિલાઓ મારી પાસે રજૂઆત કરવા આવે તેમને હાથપગ જોડીને સમજાવીને પાછા મોકલુ છું. અધિકારીઓને રજૂઆત કરુ તો વટવા અને લાંભા વોર્ડની હદનો મામલો આગળ ધરીને મને ખો આપે છે. પંરતુ કામગીરી કરતા નથી.