વટવા પોલીસે પકડેલા બે આરોપીના રિમાન્ડમાં હકીકત ખૂલી
ખોખરાના યુવકને નકલી એપોઈન્ટમેન્ટ લેટર આપતા ભાંડો ફૂટ્યો
વડોદરામાં એસ ટી માં નોકરી અપાવી દેવાના નામે છેતરપીંડી આચરવાના કેસમાં પકડાયેલા બે આરોપીઓના રીમાન્ડ દરમિયાન તેમણે 10 થી વધુ લોકોને પોતાની જાળમાં ફસાવીને કુલ રૂ. 7.67 લાખ પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે.
ખોખરામાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં નોકરી કરીને ગુજરાન ચલાવતા યુવકને એસ ટી માં સીનીયર કર્લાકની નોકરી અપાવી દેવાની બાંહેધરી આપીને તેની પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો.
જો કે યુવકે શંકાના આધારે એસ ટી નિગમમાં જઈને તપાસ કરતા તેને જાણ થઈ હતી કે તેને આપેલો લેટર તો નકલી છે. આ મામલે યુવકે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ઈન્સ્પેકટર આર એમ પરમાર અને ટીમે આ મામલે આણંદના નિલેશ રોહિત અને આશિષ કિશ્ચીયનની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. એસીપી જે ડીવીઝન પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં આરોપીઓની સધન પુછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, આશિષ વિરુદ્ધ અગાઉ મોડાસામાં પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો હતો. તદ ઉપરાંત નિલેશ અને આશિષે ભેગા મળીને સરકારી નોકરી અપાવવાના નામે 10 જેટલા લોકોની પાસેથી રૂ. 7.67 લાખની મત્તા પડાવી લીધી હતી. પોલીસે આરોપીએ નકલી લેટર કોની પાસે બનાવડાવ્ય અને તેમની સાથે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ વટવા જીઆઈડીસી પોલીસે આરોપીઓ પાસેથી કલર પ્રિન્ટર બે સરકારી જેવા લાગતા નકલી સિક્કા અને લેટરપેડ વગેરે વસ્તુઓ કબજે કરી છે.