
બુધવારે હાજર ન રહેતા મેટ્રો કોર્ટનો આદેશ
નરોડા પોલીસે મૂઢ માર માર્યો હોવાનો મામલો
નરોડામાં બાથરૂમ કરવાના મુદ્દે થયેલા મારામારીના ઝગડામાં નરોડા પોલીસે ફરિયાદમાં નામ ના હોવા છતાં સહઆરોપી અનિલ સોલંકીની ધરપકડ કરી પગના તળિયે અને પેટમાં પટ્ટા અને લાકડીઓ મારી મૂઢ માર્યો હતો. આ અંગે આરોપીએ મેટ્રો કોર્ટમાં પોલીસ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી હતી. કોર્ટે તેના શરીરનું પરીક્ષણ કર્યા બાદ નરોડા પોલીસને પોલીસ સ્ટેશનમાં રહેલા સીસીટીવીના ફૂટેજ લઈને બુધવારે કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
કોર્ટે કરેલા હુકમની અવગણના કરીને પોલીસ હાજર નહી રહેતા આરોપી તરફે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી. જેને ધ્યાને લઈને કોર્ટે પીઆઈને ગુરુવારે બપોરે 3 વાગે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ લઈને હાજર રહેવાનો આદેશ કર્યો છે.
આરોપી અનિલ સોલંકીના એડવોકેટ નીતિન ગાંધીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મારામારીના કેસમાં સહઆરોપી તરીકે નામ ખૂલતા નરોડા પોલીસે અનિલ સોલંકીની ધરપકડ કરીને ઓટી રીતે ગોંધી રાખ્યો હતો. અને પોલીસે થર્ડ ડિગ્રી અપનાવી આરોપીને પગના તળિયા અને પેટમાં પટ્ટા અને લાકડીઓ મારી મૂઢ માર માર્યો હતો.
આ અંગે લેખિતમાં અરજી આપવામાં આવતા કોર્ટે આરોપીના શરીરનું પરીક્ષણ કર્યું હતું અને નરોડા પોલીસને પોલીસ સ્ટેશનમાં રહેલા ફૂટેજ લઇને હાજર રહેવાનો આદેશ કર્યો હતો. કોર્ટનો આદેશ હોવા છતાં પોલીસ બુધવારે સીસીટીવી ફૂટેજ લઇને હાજર રહી ન હતી.