સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને હેરાનગતિ
વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની તંત્રમાં રજૂઆત
શહેરના પૂર્વના નિકોલ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ જેટલા લોકો વસવાટ કરવા આવ્યા છે. એટલે વિકસતા જતાં નિકોલમાં નાગરિકોને સુવિધાઓ માટે વિવિધ માંગણી ઉઠી રહી છે.તેમાં પણ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા નવયુવાનો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વાંચન માટે લાઈબ્રેરીની સુવિધા નુપુરતી છે. એટલે મ્યુનિ દ્વારા નિકોલમાં લાઈબ્રેરી બનાવવાનું આયોજન કરીને કામગીરી પણ શરૂ કરાઈ હતી. પરંતુ લાઈબ્રેરી બનાવાનું કામ એક વર્ષથી મંથરગતિમાં ચાલી રહ્યું હોવાથી યુવાનો અને વિદ્યાર્થીઓને દૂરની લાઈબ્રેરીઓમાં વાંચવા માટે જવાની નોબત આવી છે.
આ અંગે સ્થાનિક અગ્રણી ભાનુભાઈ કોઠિયાએ જણાવ્યું હતું કે,પૂર્વ વિસ્તારમાં ઝડપથી વિકસતા નિકોલ વોર્ડમાં બે લાખ જેટલા લોકોનો છેલ્લા પાંચ વર્ષમાં વસવાટ થયો છે. આ વિસ્તારમાંથી GPSC.UPSC.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી સરકારી નોકરીઓ તથા બેંકની નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. તેમના માટે લાઈબ્રેરીની સુવિધા પુરતી નથી. એટલે છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાં નવી લાઈબ્રેરી બનાવવા સ્થાનિકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનમાં રજૂઆતો કરાઈ હતી.
જેના પગલે અંતે મ્યુનિ.એ નિકોલ અર્બન હેલ્થ સેન્ટર પાસે આવેલા બેટી બચાવો ગાર્ડન નજીક લાઈબ્રેરી બનાવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ એક વર્ષથી લાઈબ્રેરી બનાવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સાવ મંથરગતિમાં ચાલતી હોવાના લીધે કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી. એટલે નિકોલના વિદ્યાર્થીઓને નરોડા, સૈજપુર, સહિતના આસપાસના વિસ્તારની લાઈબ્રેરીઓ સુધી જવાની ફરજ પડે છે. એટલે કામ ઝડપથી પૂર્ણ કરીને લાઈબ્રેરી શરૂ કરવા મ્યુનિ કમિશનરને રજૂઆત કરીને સ્થાનિકોએ માંગણી કરી છે.