ગત વર્ષે આ રોડપર જ એકસાથે પાંચ ભૂવા પડ્યા છતાં તેનું યોગ્ય સમારકામ કરાયું નહીં
એક જ રોડ પર ભૂવા પડવાની સમસ્યાના નિરાકરણના બદલે તંત્રે થીંગડા મારી સંતોષ માન્યો
શહેરના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 132 ફુટ રિંગરોડ ખાતે 200 મીટરના અંતરે અનેક જગ્યાએ રોડ બેસી ગયો છે. ઉપરાંત 3 જગ્યાએ ભૂવા પડતાં લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ગત વર્ષે આ રોડપર જ એક સાથે પાંચ ભૂવા પડ્યા હતા. જેનું યોગ્ય સમારકામ કર્યુ ન હોવાના ફરીથી ભૂવા પડ્યા હતા. હવે રોડ બેસી જતાં ફરીથી મોટા ભૂવા પડવાની અને આખો રોડ બેસી જવાની આશંકા સેવાઈ રહી હોવાના લીધે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
વારંવાર ભૂવાની સમસ્યા છતાં રોડ બનાવામાં અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે.આ અંગે સ્થાનિક અગ્રણી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 132 ફુટ રિંગરોડ શીતળા મંદિરથી આરતીનગર થઈને કે.વી નાગર સ્કૂલ તરફ જતા 200 મીટરના રોડ પર અનેક જગ્યાએ રોડ બેસી ગયો છે. તેમાં 3 જગ્યાએ ભૂવા પડ્યા તો કેટલીક જગ્યાએ બેસી ગયેલા રોડના લીધે વધુ ભૂવા પડવાની શક્યતા રહેલી છે.
ગત વર્ષે આ જ રોડ પર એક સાથે પાંચ ભૂવા પડ્યા હતા. પરંતુ યોગ્ય સમારકામ કરાયુ ન હોવાના લીધે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી. બાદમાં બે મહિના અગાઉ ફરી આ રોડ પર બે ભૂવા પડ્યા હતા. તેનું તંત્રે માત્ર કરવા ખાતર જ રીપેરીંગનું કામ કર્યું હતું. કેમકે યોગ્ય સમારકામ કર્યું હોત તો રોડ પર ખાડા પડવાની સમસ્યા ઊભી જ થતી નહીં. એટલે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થિતિ સર્જાઈ છે તો ભારે વરસાદ પડશે તો કેવી સ્થિતિ સર્જાશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
જો કે આ રોડથી દરરોજ વાહનચાલકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે. એટલે ગમે ત્યારે મોટો ભૂવો પડે કે આખો રોડ બેસી જાય તો મોટી દૂર્ઘટના ઘટી શકે તેવી આશંકા છે. એટલે મ્યુનિ તંત્ર વહેલી તકે આ બેસી ગયેલા રોડનું યોગ્ય સમારકામ કરે અને ભૂવાનું પણ તાકિદે પુરાણ કરીને સમારકામ કરે તે જરૂરી છે. વધુમાં તેમણે કહયું કે, સ્થાનિક કોર્પોરેટરથી લઈને મ્યુનિ.ના અધિકારીઓ રોડ અને ભૂવા પ્રત્યે આંખ આડા કાન કરે છે.