દુકાનની ખરીદીમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારીને ધમકી આપી રૂ. એક લાખ પડાવ્યા
ઝોન-6 LCBની ટીમે વડોદરા પાસેથી મુખ્ય આરોપીને ઝડપી લીધો, એક વોન્ટેડ
સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે સોપારી મળી હોવાનું કહીને વેપારીને ધાકધમકી આપીને રૂપિયા એક લાખની ખંડણી પડાવનારા બે શખ્સો સામે નોંધાયેલી ફરિયાદ બાદ ઝોન-6 એલસીબીની ટીમે મુખ્ય આરોપી આકાશ ઉર્ફે મુનિયા ડોન આડતીયાની વડોદરાથી ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે નાનાચિલોડામાં રહેતા વેપારી હરેશભાઈ મુલચંદાણીએ તેના મિત્ર અશોક કિશ્નાણી અને બાબા ઉર્ફે સૂરજ કિશન કિષ્નાણી પાસેથી 2022માં બે દુકાનો રૂ. 35 લાખમાં ખરીદી હતી. જો કે આ દુકાનો શ્રીસરકાર હોવાનું જાણવા મળતા તેમણે રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારબાદ રૂપિયા આપવામાં ગલ્લાંતલ્લા કર્યા બાદ હરેશભાઈને વોટસઅપ કોલ કરીને આકાશ અમરાઈવાડી ઉર્ફે મુનિયાએ મેટર કલોઝ કરવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ફોનમાં વોઈસ મેસેજ મોકલીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી કે, સાંજ સુધીમાં મેટર કલોઝ નહીં થાય તો ગોળી મારી દઈશ. આ મેસેજ સાભળ્યા બાદ આકાશને ફોન કરતા બાબા સાથે સમાધાન કરવાનુ કહી રૂ. 50 હજારની ખંડણી માંગી હતી. ત્યારબાદ ફરી વોટસઅપ કોલ કરીને બીજા રૂપિયા 50 હજાર પડાવ્યા હતા. તેમ છતાં હેરાનગતિ બંધ કરી નહતી અને વેપારીને વોઈસ મેસેજ મોકલીને મારી નાંખવાની તેમજ તેમની પત્ની અને દિકરી પર રેપ કરવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ બાબા ઉર્ફે સૂરજ ક્રિશ્નાણી અને આકાશ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની તપાસ કમિશનરે ઝોન-6 એલસીબીને સોંપતા પીએસઆઈ એન કે જાડેજા અને ટીમે આરોપીનુ લોકેશન કઢાવતા તે આણંદ રેલવે સ્ટેશનની આજુબાજુ હોઈ વડોદરા એલસીબીનો સંપર્ક કરી સંયુકત સર્ચમાં અંતે વડોદરામાંથી આકાશ ઉર્ફે મુનિયા ડોન આડતીયા ઝડપાઈ ગયો હતો.