નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની નરોડા પોલીસે ધરપકડ કરી છે.
સૈજપુરમાં રહેતા મનોજભાઈ પટેલ બાપુનગરમાં મશીનના વાયરનો વ્યવ્સાય કરે છે. ગત તા 18 મીએ બપોરના સમયે તેઓ એણાસણ ગામે તેમના પિતાને મળવા માટે જતા હતા.
ત્યારે નરોડા બેઠક પાસે એક અજાણ્યા બાઈચાલકે તેમને આંતરીને ક્રાઈમબ્રાંચમાં છુ કહીને આઈકાર્ડ બતાવી ખિસ્સામાં મુકી દીધુ હતુ. ત્યારબાદ દારૂ લઈને જાય છે કહીને બેગ જોવા લીધી હતી જો કે બેગમાં કશુ નહી મળતા બાઈકના પુરાવા માગ્યા હતા જો કે વીમો અને પીયુસી નહોઈ બાઈક જમા નહી કરવાનુ કહીને રૂ. 5 હજાર માંગ્યા હતા.
જો કે મનોજભાઈએ પૈસા નહોવાનુ કહેતા તેમને ધમકી આપીને નજીક આવેલા એટીએમમાં જઈને રૂપિયા કાઢી આપવા દબાણ કર્યું હતુ. એટીએમ પાસે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મનોજભાઈને આજીવન કેદની સજામાં ફસાવી દેવાનુ કહીને બચવુ હોય તો ફોન આપી તારો ઓનલાઈન પાસવર્ડ આપી દે કહીને તેમનો ફોન પડાવી લીધો હતો.
આ મામલે મનોજભાઈએ સીમ બ્લોક કરાવીને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મૌલિક ઉર્ફે ટીકો ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપત કંસારા (ઉ.42 રહે ગતરાડની પોળ, માણેકચોક ખાડીયા)ની ધરપકડ કરી હતી. આરોપી નકલી પોલીસ બનીએ ઘણા લોકોની પાસેથી પૈસા પડાવી ચુક્યો હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. તેની સામે ખાડીયા, મણિનગર, સહિત સાત ગુના નોંધાયા છે.