બારી પર બાંધેલી દાગીનાની પોટલી પડતા પથ્થર, લીંબુ નીકળ્યાં
વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસોશ્વાસ અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોઈ ગોતામાં રહેતા ભૂવાના ચકકરમાં ફસાયા હતા. ભૂવાએ વિધિ કરવાના બહાને પરિવારને ડરાવીને રૂ. 5.90 લાખના દાગીના પડાવી લેતા અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે ફરિયાદ નોંધાવાઈ છે.
વસ્ત્રાલમાં રહેતા નંદલાલ પટેલ રામોલમાં પ્લાસ્ટિકની ફેકટરી ધરાવી વેપાર કરે છે. તેમની મોટી દીકરીને શ્વાસ લેવામાં તેમજ પેટમાં દુખાવાની તકલીફ હોઈ દવા કરાવવા છતાં કોઈ ફરક પડતો નહતો. આ સ્થિતિમાં તેમના જમાઈના મિત્રએ ગોતા વંદેમાતરમ પ્રાઈમમાં રહેતા ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીનુ નામ આપતા પરિવાર ભૂવાનાં સંપર્કમાં આવ્યો હતો. ભૂવાએ એપ્રિલ મહિનામાં નંદલાલભાઈના ઘરે તેમની દીકરીની સાસરીમાં વિધિ કરવાના નામે સોનાના દાગીનાની પોટલીઓ બંધાવીને રૂમના દરવાજે જામીન તરીકે બંધાવી હતી.
ત્યારબાદ બંને પોટલીઓ લઈ ભૂવાએ ચાંદલોડીયા તળાવ પાસે સ્મશાનમાં વિધિ કરવા માટે બોલાવ્યા હતા.વિધિનો ઢોંગ કર્યા બાદ રૂ. 5.90 લાખના દાગીના ભરેલી પોટલીઓ પાછી આપીને બારી પર પોટલીઓ બાંધીને ખુલી જશે તો દુખ વધી જશે તેવી બીક બતાવી હતી. તેમજ 37 દિવસ બાદ મને ફોન કરીને પોટલીઓ ખોલજો તેમકહ્યું હતુ. આ તરફ પરિવારે બીકના માર્યા પોટલીઓ ખોલી નહતી. પરંતુ અચાનક પોટલીઓ નીચે પડતી જતા તેમાંથી પથ્થરો અને લીંબુ નીકળતા જમાઈએ સસરાને ફોન કરીને જાણ કરતા ભૂવાને ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. દરમિયાન ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીની માંડલ પોલીસે ધરપકડ કરી હોવાની જાણ થઈ હતી. આ મામલે નંદલાલ પટેલે ભૂવા સામે રૂ. 5.90 લાખના દાગીના પડાવી છેતરપીંડી કર્યાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ભૂવા સામે ઘાટલોડીયા પોલીસમાં પણ ફરિયાદ થઈ હતી
ઘાટલોડીયામાં રહેતા હસમુખભાઈ પટેલની પુત્રવધૂને આ જ રીતે શ્વાસ લેવામાં અને પેટમાં દુખાવાની તકલીફ હોઈ આ પરિવાર પણ ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીની ચુંગાલમાં ફસાયો હતો. આ જ રીતે દાગીનાની પોટલીઓ વાળીને ભૂવાએ ખોલવાની ના પાડીને કુલ રૂ. 13.62 લાખના દાગીના પડાવી લીધા હતા આ મામલે તાજેતરમા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે