ગટરના પાણી નાંખવાનું બંધ કરવા સ્થાનિકોની વારંવારની રજૂઆતનો અમલ કયારે થશે?
તળાવમાં લીલ જામી ગઈ છતાં તળાવને સાફ કરવાની પણ મ્યુનિ. તંત્ર તસ્દી લેતું નથી
શહેરના લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ભરવામાં આવતા હોવાના લીધે તીવ્ર દૂર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. ઉપરાંત તળાવમાં લીલ જામી ગઈ હોવા છતાં તેની સાફ સફાઈ કરવા સહિતની દિશામાં મ્યુનિ દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એટલે તાકિદે તળાવની સફાઈ કરવા સહિત ગટરના પાણી ઠાલવવાનું બંધ કરવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિક ભીખાભાઈ પટેલના જણાવ્યા મુજબ, લાંભા ગામ તળાવની આસપાસના વિસ્તારની ગટરોના પાણી ફિલ્ટર કર્યા વિના જ નાંખવામાં આવે છે. એટલે વારંવાર તળાવમાં લીલ જામી જતી હોવાના લીધે દૂર્ગંધથી લોકો હેરાન થઈ ગયા છે. ઈન્દિરા નગર એક અને બે, લક્ષ્મીપુરા ગામ, સુરતીપુરા, લાંભા મંદિર સહિત તળાવની આસપાસમાં આવેલી સોસાયટી અને વિસ્તારોમાં સતત દૂર્ગંધ ફેલાતા લોકો કંટાળી ગયા છે. લોકોમાં ઘરોમાં પણ બેસી શકે તેવી સ્થિતિ નથી. ઉપરાંત સૌથી બળિયાદેવના મંદિરે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને પણ વાસથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. નવી લાઈનમાં જોઈન્ટ મારીને તળાવમાં જતું ગટરનું પાણી બંધ કરી લીલની સફાઈ કરવા માગ છે.
ચાર વર્ષથી ડેવલપ થયેલુ તળાવ ટેકનિકલ ખામીના લીધે લોકાર્પણ કરાતું નથી
લાંભા ગામમાં રૂ.5 કરોડના ખર્ચે બનેલા તળાવમાં પાણીની આવક સામે પાણીની જાવકની યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે તળાવ વારંવાર ઓવરફલો થઈ રહ્યું છે. જેના કારણે ચાર વર્ષથી તળાવ તૈયાર હોવા છતાં તેનુ લોકાર્પણ કરાતું નથી. એટલે વિસ્તારના રહીશો ડેવલપ થયેલું તળાવ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા नथी.