શહેરની વિવિધ ગ્રાહક અદાલતમાં 3 હજારથી વધુ કેસ છે, ડોક્ટર કસૂરવાર ઠરે તો દંડ ભરીને છૂટી જાય છે
શહેરમાં ચાલતી ગ્રાહક ફોરમ અને ગ્રાહક કોર્ટોમાં ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના સૌથી વધુ કેસ આવે છે. કાયદો જટિલ હોવાથી ડોક્ટરની બેદરકારી સાબિત કરવી જટિલ બાબત છે. જો કોઈ કેસમાં બેદરકારી સાબિત થાય તો ડોક્ટર માત્ર દંડ ભરીને છૂટી જાય છે. શહેરની વિવિધ ગ્રાહક કોર્ટમાં ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારી 3 હજારથી વધુ કેસ નોંધાયેલા છે. ખ્યાતિ હોસ્પિટલ જેવા જવલ્લે કોઇ કેસમાં તબીબની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે છે.
અમદાવાદની ગ્રાહક ફોરમ અને કોર્ટમાં નોંધાયેલા કેસ પૈકી સૌથી વધુ કેસ હોસ્પિટલો, દવાખાના અને ડોક્ટરની બેદરકારી સામે નોંધાયા છે. જેમાંથી 120 કેસ તો સીધા જ ડોક્ટર સામેના છે. જો કે ડોક્ટરની બેદરકારી સાબિત કરવાના મુખ્ય 3 સિદ્ધાંતોને સાબિત કરવા અઘરા હોવાથી કાયદાની છટકબારીના લીધે છટકી જાય છે. છેલ્લા એક વર્ષમાં તબીબી બેદરકારી અને હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના નિકાલ કરાયેલા કેસ પૈકી એક પણ ડોક્ટરને જેલની સજા કરાઈ નથી. 5 ડોક્ટરને સારવાર આપવામાં, નિદાન કરવામાં વિલંબ કર્યો હોય તેવા કિસ્સામાં દંડાત્મક સજા કરવામાં આવી છે. જેમાં ડોક્ટરને સારવારનો ખર્ચો થયો હોય તેટલો ખર્ચો ચૂકવવાની સજા કરવામાં આવી છે. પુરતું દંડાત્મક સજા પણ માત્ર 2 ટકા કિસ્સામાં જોવા મળી છે.
ગ્રાહક કોર્ટને બદલે પોલીસ ફરિયાદ થાય તો કાર્યવાહી શક્ય
ગ્રાહક કોર્ટમાં નોંધાયેલા કેસમાં તબીબી બેદરકારીને લીધે વાડજમાં રહેતી પ્રસૂતાને પોતાનું બાળક અને જીવન બંને ગુમાવવા પડયા હતા. આ કેસમાં પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની ટ્રાયલ શરૂ થતાં જ પોલીસે ડોક્ટર લાઈસન્સ વગર પ્રેક્ટિસ કરતા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. તપાસમાં ડોક્ટરે રાજસ્થાનની કોઇ માન્યતા વગરની યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. આ કેસમાં ડોક્ટરને કસૂરવાર ઠેરવ્યો છે પરંતુ તેની સામે હજુ સુધી ચુકાદો આપ્યો નથી.
સારવાર કે સર્જરી પહેલાં ડોક્ટર પાસે નિદાન લખાવવું જરૂરી
ગ્રાહક તકરાર-ગ્રાહક કોર્ટના નિષ્ણાતે સલાહ આપી હતી કે, જયારે સારવાર કે સર્જરી કરવાની હોય ત્યારે સર્જરી કરાવતા પહેલાં ડોક્ટરો પાસે તેમને થયેલા રોગ અને શું સારવાર કરી રહ્યા છે? તે અંગેનું લખાણ લેવું જરૂરી છે. સર્જરી કરવા માટે ડોક્ટર ઉતાવળ કરે તો પણ પેપર વાચ્યા વગર સહી કરવી જોઈએ નહીં.