પાંડેસરાના શ્રમ વિસ્તારોમાં 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરોના રેકેટનો પાંડેસરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પરથી આવા 10 બોગસ ડોક્ટરોને પકડી પાડયા છે. બોગસ ડોકટરો પાસેથી પ્રેગ્નન્સી ચેકની કીટ. એન્ટી બાયોટ્રીક ટેબ્લેટ, પેઈનકિલર, સ્ટીરોઈડ અને ઊંઘની દવાઓ મોટી માત્રામાં મળી આવી હતી. સુરતમાં સૂત્રધાર રસેશ ગુજરાતીએ BEMSની બોગસડિગ્રી પાંડેસરાના બોગસ ડોકટરોને 75 હજારમાં આપી હતી. એટલું જ નહિ રસેશ ગુજરાતી આવા ડોક્ટરોની પાસેથી મહિને 5 હજારની રકમ પણ પડાવતો હતો. પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી આપનાર 3 સૂત્રધારો અને 10 બોગસ તબીબ સહિત 13 જણાની ધરપકડ કરી છે. સાથે દવાઓ, બોગસ સર્ટીફીકેટો સહિત રૂ.55210નો મુદામાલ કબજે કર્યો છે. રસેશ અને બી.કે. રાવતની ટોળકીએ 1 હજારથી વધુ લોકોને બોગસ ડિગ્રી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
એક હજારથી વધુને BEMSની ડિગ્રી આપી દીધી
રસેશ ગુજરાતીએ 2002માં ગોપીપુરા ખાતે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. BEMSના અભ્યાસ માટે 75 હજાર ફી લેતા અને એક જ અઠવાડિયામાં BEMS ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ અને આઈકાર્ડ આપી ખાત્રી આપતા હતા કે, તમે ક્લિનીક ખોલી શકો છો. એલોપેથીક, આર્યુવેદિક અને હોમિયોપેથીની દવા આપી શકશો. 1 હજારથી વધુ લોકોને નકલી BEMSની ડિગ્રી આપી દીધી છે.