ચાર્જિંગમાં મૂકેલો ફોન ન મળતા ચોરીની જાણ થઈ
શહેરમાં તસ્કરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે તેવામાં હવે પોલીસ કર્મચારીના ઘરને પણ તસ્કરોએ છોડયુ નથી. આવી જ એક ઘટનામાં નિકોલમાં ઘરનો દરવાજો ખુલ્લો મુકીને નિંદ્રાંધીન પોલીસ કર્મચારીના ઘરમાંથી તસ્કરો મોબાઈલ ચોરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
નિકોલમાં પંચનાથ રો હાઉસમાં રહેતા અજયકુમાર લાધવા અમદાવાદ શહેર પોલીસદળમાં ફરજ બજાવે છે. હાલમાં તેઓ ટ્રાફિક વિભાગમાં કાર્યરત છે. બન્યુ એવુ કે ગત 28 મી ફેબ્રુઆરીએ અજયકુમાર નોકરી પુરી કરીને ઘરે આવ્યા બાદ જમી પરવારીને પરિવાર સાથે વાતચીત કર્યા બાદ મોડીરાતે સૂઈ ગયા। ગયા હતા. આ સમયે ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી મધરાતે ચોર તેમના ઘરમાં પ્રવેશ્યો હતો અને ચાર્જીંગમાં મુકેલો ફોન ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સવારે ઉઠીને અજયકુમારે ફોન લેવા જતા ફોન ગુમ થયો હોવાની જાણ થઈ હતી. પરિવારજનોને પુછપરછ કર્યા બાદ ફોનની ચોરી થઈ હોવાનુ જણાતા તેમણે આ અંગે પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી હતી. અંતે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના ઘરોમાં લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરી ચોરનુ પગેરુ દબાવવા તજવીજ હાથ ધરી છે.