દોઢ વર્ષ પહેલાં લંડનના વિઝા કરાવવા માટે રૂ. 16.20 લાખ લીધા હતા
વટવા, ગાંધીનગર અને અંબાડ ગામે લઈ જઈ મારનારા 4 સામે ફરિયાદ
વટવામાં રહેતા વીઝા કન્સલટન્ટે લંડન મોકલવા માટે લીધેલા રૂ. 16 લાખ પાછા આપવા મામલે ચાર વ્યકિતઓએ કારમાં અપહરણ કરી વટવા, ગાંધીનગર અને અંબાડ ગામે લઈને જઈ ગડદાપાટુનો માર મારીને રૂ.80 હજાર પડાવી લીધા હતા. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે.વટવામાં રહેતા અને મણિનગરમાં વીઝા કન્સલટન્સીની ઓફિસ ધરાવતા રોહિતકુમાર દસલાણીયા(ઉ.42)એ નોંધાવેલી ફરિયાદ મુજબ દોઢ વર્ષ પહેલા પ્રદિપસિંહ જશવંતસિંહ રાઠોડ તેમની પાસે આવ્યા હતા અને લંડનના વીઝા કરાવવા માટે રૂ. 16.20 લાખ આપ્યા હતા. તેમનાબે વખત વીઝા મુકયા હતા જો કે બંને વખત વીઝા રદ થયા હતા.
તેમણે રૂપિયા પરત માગતા રોહિતભાઈએ તેમના રૂપિયા એજન્સીમાં જમા કરાવી દીધા હોવાનુ કહીને બીજા કસ્ટમર મળશે તો રૂપિયા પરત આપવાનું કહ્યું હતુ.દરમિયાન ગત તા 31 મે ના રોજ રાતના 11.30 વાગે પ્રદિપસિંહ તેમજ તેમના કાકા સસરા મીટ્ટીકાકાની સાથે રોહિતભાઈના ઘરે આવ્યા હતા ત્યારબાદ ગલ્લે સિગારેટ પીવા લઈ જવાના નામે તેમને કારમાં બેસાડીને વટવા જીઆઈડીસી તરફ લઈ ગયા હતા. જયાં રસ્તામાં કાર ઉભી રાખીને તેમને માર માર્યો હતો.
આ સમયે બીજી એક કાર આવી હતી જેમાં બે અજાણ્યા માણસો હતા આવ્યા હતા તેમણે પણ માર માર્યો હતો. ત્યારબાદ તેમને કારમાં વચ્ચે બેસાડીદીધા હતા અને કાર ગાંધીનગર તરફ હંકારી ગયા અને રસ્તામાં ફરી મીટ્ટીકાકાએ પ્લાસ્ટીકની પાઈપથી તેમજ પ્રદિપસિંહે કમરમાં પહેરવાના પટ્ટાથી માર માર્યો હતો.. ત્યારબાદ ગાંધીનગરના અંબાડ ગામમાં તેમને લઈ ગયા હતા અને ગામમાં ઉતારીને ફરી માર માર્યો હતો. ત્યારબાદ વસ્ત્રાલ લાવ્યા હતા અને પ્રદિપસિંહે રૂપિયા 16 લાખની માંગણી કરી હતી જેથી રોહિતભાઈએ તેમને રૂ. 50 હજાર રોકડા તથા બીજા 80 હજાર રૂપિયા પ્રદિપસિંહના બનેવીના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ તેમને છોડી મુક્યા હતા.આ મામલે રોહિતભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં પ્રદિપસિંહ તેમના કાકાસસરા મીટ્ટીકાકા અને બે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.