આરોપી સગીરાને ધમકી આપીને નાસી છૂટયો
અમરાઈવાડીની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી સગીરા બાથરૂમમાં ગઈ ત્યારે શાળાના સિકયુરીટી ગાર્ડે તેની સાથે શારિરીક અડપલાં કર્યા હતા આ સમયે સગીરાએ બૂમાબૂમ કરતા ગાર્ડે તેને ધમકી આપીને નાસી છુટયો હતો. આ અંગે સગીરાની માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં સિકયુરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગના પરિવારમાં દંપતિ અને ત્રણ સંતાનો પૈકી એક દિકરી ધોરણ 7માં ઘર નજીક આવેલી સરકારી શાળામાં અભ્યાસકરે છે. ગત શનિવારે માતા જયારે દિકરીને લેવા માટે શાળાએ ગઈ ત્યારે દિકરી ખૂબ જ ગભરાયેલી હતી. માતાએ તેને પુછપરછ કરતા સગીરાએ રડતા રડતા જણાવ્યુ હતુ કે તે જયારે બાથરૂમમાં શૌચક્રિયા માટે ગઈ ત્યારે શાળાનો સિક્યુરીટી ગાર્ડ ભરત ચૌહાણ ત્યાં આવી ગયો હતોઅને તેને બાથમાં ભરીને શારિરીક અડપલાં કરવા લાગ્યો હતો. આ સમયે સગીરાએ બૂમાબૂમ કરતા ગાર્ડે તેને બદનામ કરી દેવાની ધમકી આપીને નાસી છુટયો હતો. આ અંગે મહિલાએ તેના પતિને વાત કરતા અંતે આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ભરત ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ આદરી છે.