વટવા જીઆઈડીસીમાં યુવકને યુએસડીટી ડોલર વેચવાના મેસેજ કર્યા હતા. જેથી યુવક વિશ્વાસમાં આવી જતારૂ.1 લાખના ડોલર લેવાની વાત કરી હતી. જેના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. જો કે પૈસા ટ્રાન્સફર થતા જ ગઠિયાએ પોતાનો નંબર બંધ કરી દીધો હતો. જેથી પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયું હોવાની જાણ થતા યુવકે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
વટવા જીઆઈડીસી વિનોબાભાવેનગરમાં રહેતા 39 વર્ષીય ગીરીશકુમાર રાણા ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોબાઇલના વોટ્સએપમાં મલ્ટીલેવલ માર્કેટ નામનું ગ્રુપ છે. જેમાંથી અજાણ્યા નંબર પરથી અવાર નવાર યુએસડીટી ડોલર વેચવા માટે મેસેજ આવ્યો હતો. એટલુ જ નહીં 50 હજારના યુએસડીટી ડોલર વેચવાના છે તેવી જાણ પણ કરી હતી. જેથી ગીરીશભાઈએ રૂ.1 લાખના ડોલર લેવા માટેનો મેસેજ કર્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ ગીરીશકુમારને રૂ.1 લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ અને સ્ક્રીન શોર્ટ મોકલી આપ્યો હતો. જો કે તેમના એકાઉન્ટમાં પૈસા આવ્યા ન હતા પરંતુ વિશ્વાસ રાખીને તે વ્યક્તિએ આપેલા નંબર પર ગીરીશકુમારે રૂ.1 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાદ તેમણે તપાસ કરી ત્યારે તેમના એકાઉન્ટમાં કોઈ પૈસા આવ્યા ન હતા. જેથી તેને ફોન કર્યો ત્યારે નંબર સતત બંધ આવતો હતો. જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતા ગીરીશભાઈએ વટવા જીઆઈડીસી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે