સ્વચ્છતાની વાતો કરતું તંત્ર કેનાલમાં ગંદા પાણી છોડીને ગંદકી ફેલાવે છે
શહેરની ખારીકટ કેનાલમાં ગટરના પાણી છોડવા કે કચરો નાંખવા પર મ્યુનિ તંત્રનું પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર લોકો કેનાલમાં ગંદકી કરતા હોવાની ફરિયાદો ઊઠે છે. તેવી જ રીતે જશોદાનગરમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પુષ્કર હિલ પાસે ચાર દિવસથી ગટરના ગંદા પાણી કેનાલમાં છોડવામાં આવે છે. જેના લીધે આસપાસની સાતથી વધારે સોસાયટીના રહીશો ગંદા પાણીની દૂર્ગંધથી પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુદ મ્યુનિ દ્વારા જ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. એટલે લોકોને સ્વચ્છતા રાખવાની અને કેનાલમાં ગંદકી નહીં કરવાની સુફિયાણી સલાહો આપતા મ્યુનિ તંત્ર નિયમોનું ઉલ્લંધન કરી રહ્યું છે.
એટલે કેનાલમાં ગંદકી કરનારા સામે કડક પગલાં ભરવાની તંત્રના દાવા પોકળ નીકળતાં દિવા તળે અંધારા જેવો ઘાટ ઘડાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મ્યુનિ. તંત્રમાં રજૂઆત કરી તો જવાબ મળે છે કે ગટરના પાણીના સ્તર ઉપર આવી ગયા હોવાથી જો પાણી કેનાલમાં છોડશે નહીં તો રહિશોની તકલીફ વધશે. આમ ગટરના પાણીનું લેવલ વધી ગયું હોવાથી તેને આ રીતે કેનાલમાં છોડાય છે. એમ કહીને તંત્રે હાથ અધ્ધર કરી લીધા છે.