એક મહિલા જથ્થો રાખી વેચાણ કરતી હતી
શહેરના સરદારનગરમાંથી ગુના નિવારણ શાખાએ વિદેશી બનાવટના દારૂની અને બિયરની મળી કુલ 1560 બોટલો મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
ગુના નિવારણ શાખાને બાતમી મળી હતી કે નરોડા એસ ટી વર્કશોપની બાજુમાં મહાજનીયા વાસમાં શ્યામસુંદર માર્કેટમાં ઘરનંબર 112 તથા દુકાન નંબર 59માં વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસટીમે સ્થળ પર રેડ કરીને અમિત માલાભાઈ ઠાકોરને પકડીને તપાસ કરતા ઘર અને દુકાનમાંથી વિદેશી બનાવટની દારૂ અને બિયરની કુલ 1560 બોટલો કિંમત રૂ..1,85,305 ની મળી આવી હતી. આ અંગે અમિત ઠાકોરની પુછપરછ કરતા આ દારૂ બિયરનો જથ્થો પદમાબેન નિરજભાઈ રાઠોડ( છારા)નો હોવાનુ અને અમિત રોજના 700 રૂપિયા મેળવી વિશ્વાસુ ગ્રાહકોને દારૂ બિયર વેચતો હોવાની કબુલાત કરી હતી. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમિત ઠાકોર અને વોન્ટેડ પદમાબેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.