બે દિવસ પહેલા વેપારીના ઘરેથી 5.47 લાખની ચોરી થઈ હતી
મણિનગરમાં રહેતા સોની વેપારી રાજસ્થાન પ્રસંગમાં જતા તેમના ઘરમાંથી બે દિવસ પહેલા સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 5.47 લાખની ચોરી થઈ હતી.આ મામલે પોલીસે 50 જગ્યાના 150 સીસીટીવી ફૂટેજ ચેક કરી એક શંકાસ્પદ લાગતી રીક્ષાના ચાલકને પકડી તપાસ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.પોલીસે આ મામલે રીક્ષાચાલક સહિત ચાર રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનાના મુખ્ય સૂત્રધારને પગમાં સળીયો નાખ્યો હોઈ સારવાર માટે કોઈએ રૂપિયા નહી આપતા તેણે અન્ય લોકો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
મણિનગરમાં જયનગર સોસાયટીમાં રહેતા સોનાનો શો રૂમ ધરાવી વેપાર કરતા મહેશભાઈ ફૂટરમલ સોનીના મકાનના બાથરૂમની બારીના કાચ કાઢી ઘરમાં પ્રવેશી સોનાચાંદીના દાગીના, આઈફોન, વિગેરે મળી રૂ.5.47,845 ની ચોરી થઈ હતી.
પોલીસને ઘટના સ્થળે એક શંકાસ્પદ રીક્ષા દેખાઈ હોઈ પીઆઈડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના 50 સ્થળોએ 150 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી રીક્ષાને ઓળખી પાડી હતી. જેમાં ચાર માલિકો બદલાયા હોઈ તપાસને અંતે પોલીસે રીક્ષાચાલક મુસ્તુફા ઉર્ફે ભજ્જ શેખ પાસે હોવાનુ ખુલતા પોલીસે તેને રાઉન્ડ અપ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. જેના આધારે પોલીસે અન્ય આરોપીઓ મોહસીન અનવરહુસૈન શેખ, સમીરખાન ઉર્ફે કાણિયો ઈબ્રાહિમખાન પઠાણ, સરફરાજ ઉર્ફે દતુ મુનિર અહેમદ અંસારી અને મુસ્તુફા ઉર્ફે ભજ્જ મુમતાજ અલી શેખ ની ધરપકડ કરી હતી.
પોલીસ પુછપરછમાં ઘરફોડ ચોરીની ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે સમીરખાન ઉર્ફે કાણિયો હોવાનુ બહાર આવ્યુ હતુ. જેને પગમાં સળીયો નાંખેલો હોઈ સારવાર માટે રૂપિયાની જરૂર હતી જો કે સગાસબંધી અને મિત્રો પાસે રૂપિયાની માંગણી કરતા કોઈએ મદદ કરી નહતી.અંતે તેણે પોતાના ઘરફોડીયા સાગરીતોને વાત કરી અને ચોરીનો પ્લાન બનાવાયો હતો. મણિનગરમાં નીકળેલી ગેંગે સોની વેપારીનુ બંધ મકાન જોઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે ચોરી કરી રીક્ષામાં નાસતા તમામ પકડાઈ ગયા હતા. તમામ આરોપીઓ અગાઉ સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે.