વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ કામ કરવાનાં ઠાલાં વચનો આપતા હોવાનો લોકોનો આક્ષેપ
શહેરના રામોલના ન્યૂ મણિનગર ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જેના લીધે ગંદા પાણી રોડ પર ભરાઈ રહેતા વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત પાણી ભરાતા ઘણી જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. એટલે આવા બિસ્માર રસ્તાના લીધે ટુ-વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે. આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામ કરવાના ઠાલા વચનો જ આપવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, રામોલથી વસ્ત્રાલ જતાં ન્યૂ મણિનગર ચાર રસ્તા પાસે એક એક હોસ્પિટલ, મોલ અને એસ્ટેટ હોવાના લીધે ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા 20 દિવસથી આ રોડ પર ગટર લાઈનમાં ભંગાણ પડી જતાં ગટર ઉભરાય છે. જેના લીધે તેના દૂર્ગંધ મારતા પાણી રોડ પર ભરાઈ ગયા છે. જેના લીધે લોકોને હાલાકી પડી રહી છે. આટલુ ઓછુ હોય તેમ પાણી ભરાઈ રહેવાના લીધે આ રોડમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. એટલે ટુ-વ્હીલર ચાલકો ત્યાંથી પસાર થાય ત્યારે ખાડામાં પટકાવાના લીધે અકસ્માત સર્જાય છે. જેમાં ઘણીવાર ટુ-વ્હીલર ચાલકો પડી જતાં ઈજા થવાના બનાવો પણ બની રહ્યા છે. જો કે આ મામલે સ્થાનિકો દ્વારા વારંવાર મ્યુનિ.માં રજૂઆત કરે છે. પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. એટલે નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પણ તંત્ર તાકિદે કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.