કમિટીને હિસાબ રજૂ કરવા વારંવાર નોટિસ અપાઈ હતી
નારાણપુરાની ભાવદીપ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી- રંગ મિલન ફ્લેટની સોસાયટી કમિટીએ હિસાબો રજૂ ન કરતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટારે કડક કાર્યવાહી કરી છે. રંગ મિલન ફ્લેટમાં સોસાયટી કમિટી બર્ખાસ્ત કરીને સરકારી વહીવટદાર નિમાયા છે. હવે સોસાયટીની તમામ બાબતોનો નિર્ણય સરકારી વહીવટદાર લેશે. આવનારા 6 મહિનામાં ચૂંટણી કરીને નવી કમિટી પણ બનાવી શકાશે. હાલમાં સોસાયટીનો તમામ
વહિવટ જિલ્લા રજિસ્ટારે નિમેલા વહીવટદાર કરશે.
નારાણપુરાની રંગમિલન ફ્લેટમાં લાંબા સમયથી સોસાયટીની કમિટી દ્વારા હિસાબો રજૂ કરાતા ન હતા. જેને લઇને જિલ્લા રજિસ્ટાર દ્વારા કમિટીને જૂના હિસાબો રજૂ કરવાની વારંવાર નોટીસો આપવામાં આવી હતી. આ ઉપરાંત સોસાયટીની કમિટીને હાજર થવા માટેના સમન્સ આપ્યા હતા. તેમ છતા કમિટી હિસાબો સાથે હાજર થતી ન હતી. સોસાયટી કમિટીના સભ્યોના જણાવ્યા મુજબ, માત્ર ગયા વર્ષના જ હિસાબો બાકી છે.