પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર ઉદાસીન
શહેરના લાંભા વોર્ડમાં આવેલા વટવા સદાની ધાબી કેનાલ પાસેના વિસ્તારમાં ડ્રેનેજ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાના લીધે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કંટાળેલા રહીશો દ્વારા લાંભા વોર્ડની ઝોનલ કચેરીમાં જઈને વિરોધ પ્રદર્શન યોજીને પ્રાથમિક સુવિધાઓ આપવાની માગણી કરાઈ હતી.
આ અંગે સ્થાનિક અગ્રણી ઘનશ્યામસિંહ પરમારે જણાવ્યું હતું કે,લાંભા વોર્ડમાં આવેલા સદાની ધાબી કેનાલ પાસે આવેલા હિના પાર્ક.કેજીએન પાર્ક,અલ હનીફિયા પાર્ક, અલીફનગર બી. સરતાજ નગર અને કેનાલની આસપાસની અન્ય 10 સોસાયટીમાં પાણી આવતું જ નથી. ઉપરાંત વિસ્તારમાં ડ્રેનેજ લાઈન પણ વારંવાર ઉભરાતી હોવાની સમસ્યા છે.
આ સમસ્યા મામલે વારંવાર સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.
એટલે ટેક્સ ઉધરાવામાં અગ્રેસર મ્યુનિ તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં છેલ્લી હરોળમાં બેસી જાય છે. એટલે સ્થાનિકોએ આજે લાંભા વોર્ડની ઝોનલ ઓફિસમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માંગણી કરી હતી. જો મામલે યોગ્ય કામગીરી નહીં થાય તો આગામી દિવસોમાં મ્યુનિ.ની દક્ષિણ ઝોનની કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે.








