મકાનો ફાળવવા, ખોટા ટેક્સબિલો રદ કરવા મ્યુનિ.માં રજૂઆત
પુનઃવસનમાં 290 લોકોને મકાન ફાળવવામાં તંત્રના ગલ્લાંતલ્લાં
શહેરના બાપુનગરના મલેકશાબાન સ્ટેડિયમ તળાવના વિકાસના નામે ત્યાં વસવાટ 290 લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ ફટકારી છે. પરંતુ તેમના પુનઃવસન માટે મકાનો આપવામાં તંત્ર ગલ્લા તલ્લા કરી રહ્યું છે. આટલુ ઓછુ હોય તેમ ત્યાં રહેતા 94 લોકોને મકાન ફાળવ્યા વિના જ તેમને ટેક્સબિલ ફટકારી દીધા છે. એટલે મકાનો ફાળવવા અને ખોટા ટ્રેકસબિલ રદ કરવા અસરગ્રસ્તોએ માંગણી કરી છે.
આ અંગે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, બાપુનગરના મલેકશાબાન સ્ટેડિયમ તળાવનો વિકાસ કરવાના નામે મ્યુનિ.એ અકબરનગરના છાપરાના 506 લોકોને હટાવાની કામગીરી કરી હતી. જેમાં 290 લોકોને હજુ મકાન મળ્યા નથી. તેમને તમામ જરૂરી પુરાવા આપવા છતાં મકાન ફાળવવા મામલે મ્યુનિ.સત્તાધિશો ગલ્લા તલ્લા કરી રહ્યા છે. જો કે મકાનો મળ્યા નથી તેમાંથી 94 લોકોને તો મકાન ફાળવ્યાના બે વર્ષના ટેકસબિલ પણ મ્યુનિએ ફટકારી દીધા છે.
જેમાં મકાન દીઠ 3 હજારથી 5 હજાર સુધીનું ટેક્સ બિલ અપાયા છે. જેના લીધે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે આજે ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં મ્યુનિ સત્તાધિશોને રજૂઆત કરી છે. જ્યારે સમગ્ર મામલે મ્યુનિ.કમિશ્નરને પણ લેખિતમાં ફરિયાદ કરી છે.