સીડી તોડવા જતા દિવાલ પણ ધરાશયી થઈ
વટવા વિસ્તારમાં જુનુ મકાન તોડવાની કામગીરી દરમિયાન સીડી તથા દિવાસ તૂટી પડતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયું હતું. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વટવા વિસ્તારમાં જાનીયાપીરના ટેકરાખાતે રહેતા પ્રભુભાઈ રણછોડભાઈ ખાંટ( ઉ.22) પી ડી પંડયા કોલેજ પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં આવેલા એક જૂના મકાનને પાડવાનું કામ મળ્યુ હોઈ અન્ય મજૂરો સાથે કામ કરવા જતા હતા.
દરમિયાન બુધવારે સવારના 11.15 વાગે પ્રભુભાઈ સોસાયટીમાં મકાન પાડવાની કામગીરી કરતા હતા. ત્યારે મકાનની સીડી તોડતી વખતે અચાનક સીડી તથા તેને અડીને આવેલી દિવાલ તુટી પડતા પ્રભુભાઈ કાટમાળ નીચે દટાઈ જતા ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે એલ જી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.